જીવડા! દેવો પડશે જવાબ!
દેવો પડશે જવાબ, હરી તારો કરશે જે દિ' હિસાબ..... જીવડા! દેવો પડશે જવાબ!
કાંઠો તારો ભાળે ન કોઈ, પણ માંહ્યલો જાણે માપ;
વ્હેવારની વાતો વંચાશે તે દિ' તનડે લાગશે તાપ.... જીવડા! દેવો પડશે જવાબ!
ડાઘ છુપાવા દિલના, રાખી ઊપર ઊજળી છાપ;
સ્વારથ માટે ગરીબ જનને કાળજે મુકયા કાપ.... જીવડા! દેવો પડશે જવાબ!
મન્દિરમાં જઈ માળા ફેરવતો, જપતો ધનના જાપ;
રુદિયામાં કયાંય રામ ન બેઠો, પ્રગટશે પરિતાપ .... જીવડા! દેવો પડશે જવાબ!
વાતે વાતે વાંધા પાડયા, અનીતિ આદરી અમાપ;
વૈતરણીમાં તરવું વસમું, પોકારશે સૌ પાપ..... જીવડા! દેવો પડશે જવાબ!
મનખ્યાદેહ મળ્યો છે મોંઘો આપ્યુ હોય તો આપ;
આંખ ઉઘાડી, ન ડુંગરો દેખે એવી ખાતો નહી ભુલ થાપ.... જીવડા! દેવો પડશે જવાબ!
''આતમવાણી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment